SMVS

વચનામૃત ગઢડા છેલ્લાનું - ૧૫

સંવત ૧૮૮૪ના અષાડ વદિ ૧૩ તેરસને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં પોતાના ઉતારાની મેડીના ગોખ ઉપર વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને કંઠને વિષે મોગરાનાં પુષ્પના હાર પહેર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી મુક્તાનંદ સ્વામીને શ્રીજીમહારાજે કહ્યું જે, આજ તો અમે અમારા રસોઇયા હરિભક્તની આગળ બહુ વાત કરી. ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા જે, હે મહારાજ ! કેઈ રીતે વાત કરી ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) વાત તો એમ કરી જે ભગવાનનો ભક્ત હોય ને તે ભગવાનની માનસીપૂજા કરવા બેસે તથા ભગવાનનું ધ્યાન કરવા બેસે તે સમે એનો જીવ પ્રથમ જે જે ભૂંડા દેશકાળાદિકને યોગે કરીને પંચવિષય થકી પરાભવ પામ્યો હોય અથવા કામ, ક્રોધ, લોભાદિકને યોગે કરીને પરાભવ પામ્યો હોય તે સર્વેની એને સ્મૃતિ થઈ આવે છે. જેમ કોઈ શૂરવીર પુરુષ હોય ને સંગ્રામમાં જઈને ઘાઈ આવ્યો હોય ને તે ઘાયલ થઈને પાછો ખાટલામાં આવીને સૂએ પછી એને જ્યાં સુધી પાટો ગોઠે નહિ ત્યાં સુધી ઘાની વેદના ટળે નહિ ને નિદ્રા પણ આવે નહિ, ને જ્યારે પાટો ગોઠે ત્યારે ઘાની પીડા ટળી જાય ને નિદ્રા પણ આવે. તેમ ભૂંડાં દેશ, કાળ, સંગ ને ક્રિયા તેને યોગે કરીને જીવને પંચવિષયના જે ઘા લાગ્યા છે તે જ્યારે નવધાભક્તિ માંહીલી જે ભક્તિ કરતાં થકાં એ પંચવિષયના ઘાની પીડા ન રહે ને પંચવિષયનું સ્મરણ ન થાય એ જ એને પાટો ગોઠ્યો જાણવો અને એ જ એને ભજન-સ્મરણનું અંગ દૃઢ જાણવું, પછી એ અંગમાં રહીને માનસીપૂજા કરવી, નામ-સ્મરણ કરવું, જે કરવું તે પોતાના અંગમાં રહીને કરવું તો એને અતિશે સમાસ થાય અને જો પોતાના અંગને ઓળખે નહિ તો જેમ ઘાયલને પાટો ગોઠે નહિ ને સુખ ન થાય તેમ એને ભજન-સ્મરણમાં કોઈ રીતે સુખ ન થાય ને પંચવિષયના જે ઘા એને લાગ્યા હોય તેની પીડા ટળે નહીં. માટે એ નવધાભક્તિમાંથી જે ભક્તિ કરતે થકે પોતાનું મન ભગવાનમાં ચોંટે અને ભગવાન વિના બીજો ઘાટ કરે નહિ ત્યારે તે હરિભક્તને એમ જાણવું જે મારું તો એ જ અંગ છે. પછી તે જાતની ભક્તિ એને પ્રધાન રાખવી એ સિદ્ધાંત વાત છે. (૧) ઇતિ વચનામૃતમ્‌ ।।૧૫।। (૨૪૯)

રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે ભૂંડા દેશ-કાળાદિકને યોગે કરીને પંચવિષયના ઘા લાગ્યા હોય તે નવધાભક્તિ માંહેલી જે ભક્તિએ કરીને પંચવિષયનું સ્મરણ ન થાય તે અંગમાં રહીને અમારી માનસીપૂજા, નામ-સ્મરણ કરવું તો અતિશે સમાસ થાય, ને જે પોતાના અંગને ઓળખે નહિ તેને સુખ ન થાય. (૧) બાબત છે. ।।૧૫।।